કચ્છ સાહિત્ય ઉત્સવ 2024
કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ એ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ વિસ્તારમાં કચ્છી ભાષા બોલાય છે. ગુજરાત સરકારે આ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. કચ્છી ભાષા બોલનાર લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આવા સમયે કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. કચ્છી લોકસાહિત્ય અને લોકસંગીતનો વારસો અત્યંત સમૃદ્ધ અને મૂલ્યવાન છે. આ વારસાની વંદના કરવાનો વિશેષ ઉપક્રમ એટલે કચ્છી સાહિત્ય ઉત્સવ. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા આ દ્વી દિવસીય સાહિત્ય ઉત્સવનું આયોજન સ્મૃતિ વન, ભુજ ખાતે કરવામાં આવ્યું છે. કચ્છી ભાષાને સમર્પિત આ પ્રથમ સાહિત્ય ઉત્સવ છે. કચ્છી લોકસાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા સામેના વર્તમાન પડકારો, કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કચ્છી કવિતા, કચ્છી વાર્તાઓ, કચ્છી લોકસંગીત, કચ્છી વાર્તાઓ, કચ્છી બાળસાહિત્ય, કચ્છી પત્રકારત્વ, કચ્છ પરિવેશમાં બનેલી ફિલ્મો જેવા વિષયો પર કચ્છ-ગુજરાતના નિષ્ણાત વક્તાઓ ચર્ચા કરશે. આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ ભાગ લેનાર છે.